ન જાણે વર્ષો વીત્યાં લખતાં ને વાંચતાં અહીં
ઘરની આ ચાર દીવાલના કોડિયાના પ્રકાશ મહીં
એક દિવસ તોફાન આવ્યું ઓલવાઇ ગયું કોડિયું
લાગ્યું ઘડી-બે ઘડીમાં બધું ચકનાચૂર થઇ ગયું.
દોડ્યો હું ઘરના આંગણે નજર કરી આસમાને
ન જાણે જોઇ તારલા અને અરમાન જાગ્યા હૃદયે
જોઇ ચાંદને લાગે શૃંગાર સજી બેઠી નવોઢા ઘૂંઘટ મહીં
કદી ન જાણ્યું કે ન મળ્યું એ રૂપ, જોતો રહી ગયો મન મહીં
ફેંકી કલમ અને ફેંક્યા કાગળ બધા ઉપર આસમાને
ઢૂંઢતો હતો વર્ષોથી જેને મળ્યો એ નાથ અનાયાસે
મળી ગયો જવાબ, છુપાયેલો એ કુદરતના રૂપ મહીં
બંધબારણે વર્ષો વીત્યાં ન જોયા આવા જાદુ કહીં
નથી લખવું કે નથી હવે વાંચવું સાને સમયને વેડફું
જોયા બહાર જાદુ, હવે શાને ઘરમાં પુરાઇ બેસું
લીલીનાં ફૂલોની ખુશ્બો, ન મળે છોડ્યા વગર ઘરનું ઘેલું
હવે તો નાશાપુટમાં આવે છે સુગંધ, થતા રાતનું અંધારું
ના કોઇ જાદુ ના કોઇ કરામત, આ તો કૃપા પ્રભુ તારી
નાહકનો શોધતો હતો ઘરમાં, એ હતી ભૂલ મારી.