જ્યારે આપણે બજારમાં માલ લેવા જઇએ છીએ ત્યારે
માલ રસ્તો, સારો અને ટકાઉ હોય એ જ ખરીદવાનો
આગ્રહ રાખીએ છીએ.
ધર્મમાં પણ સસ્તો, સારો અને ટકાઉ ધર્મ આપણે
ગોતવા નીકળીએ છીએ અથવા તો આપણે આપણા
ધર્મને જ સસ્તો, સારો અને ટકાઉ માનવા લાગીએ છીએ.
ખરેખર સસ્તો ધર્મ એ ધર્મ હોતો જ નથી, કારણકે
ધર્મ વસ્તુ નથી કે જેની કિંમત આંકી શકાય. ધર્મ એ તો
સ્વભાવ છે. જેજે વસ્તુનો ગુણ હોય એવો એનો સ્વભાવ.
પાણીનો ગુણ વસ્તુને ઠંડક પહોંચાડવાનો, અગ્નિનો ગુણ
વસ્તુને બાળવાનો, આમ દરેક વસ્તુ પોતપોતાના ગુણધર્મ
પ્રમાણે કામ કરે છે. આમ મનુષ્યનો ધર્મ જોઇએ તો એ છે
આત્માનો સ્વભાવ, એ ધર્મ અને હવે વિચાર થાય કે,
વળી આત્માનો ધર્મ શું? આત્માનો ધર્મ કષાય પર અને
મન પર, ઇન્દ્રિયો પર વિજય મેળવવો. જે આના પર
વિજય મેળવે છે એ સાચા ધર્મમાં પ્રવેશ કરી શકે અને જે
અહીં સુધી પહોંચી શકતો નથી તે માત્ર બહાર ક્રિયામાં જ
ઉલઝેલો રહે છે.
ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલ છે કે,
‘‘એગે જીયા પંચ, પંચે જીયા દશ, દશાહુ જીણી તાણમ્
સવ્વ શતુ જિણામહમ્.’’ જે મનુષ્ય એક મનને જીતે છે એ
ચાર કષાયને જીતે છે અને ચાર કષાયને અને મનને જીતે
છે એ પાંચને જીતે છે. આમ ચાર કષાય અને મનને
જીતનાર પાંચ ઇન્દ્રિયને જીતે છે અને આવી રીતે દશને
જીતનાર બધા શત્રુને જીતે છે. ખરેખર, આવા એક સૂત્રમાં
મહાવીરે આપણને આખા જીવનનું રહસ્ય સમજાવી દીધું
છે. આમ તો ધર્મ સીધો અને સસ્તો લાગે, પણ આમાં
પ્રવેશવું બહુ જ મુશ્કેલ છે. મહારથીઓ પણ મનને જીતી
શકતા નથી, નથી કષાય પર વિજય મળેવી શકતા કે
નથી ઇન્દ્રિયો પર અંકુશ રાખી શકતા. આખરે સસ્તો
લાગતો આ ધર્મ બહુ મોંઘો દેખાય છે.
હવે રહી ‘‘સારા ધર્મ’’ની વાત, તો દરેક ધર્મ સારા જ
હોય છે. કોઇ ધર્મના મૂળમાં જાવ તો દરેક ધર્મ સારા જ
લાગશે, પણ આપણે ઝાડના મૂળને ન પકડતા ઝાડના
પાનને પકડીને જ જીવન જીવીએ છીએ. જે ઝાડના પાન
પકડીને જીવે છે એ સમય પહેલાં જ સુકાઇને પીળા પડીને
ઝાડથી અલગ થઇ પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે છે.
જે વ્યક્તિ ઝાડના મૂળને પકડી યાત્રા કરે છે તે આગળ
ને આગળ નીકળી પોતાના લક્ષ સુધી પહોંચી જાય છે. જે
આત્મા મોક્ષ સુધી જવાનું લક્ષ રાખે છે એ આ સારો
રસ્તો પકડી પોતાનું ધ્યેય પૂરું કરે છે, જરૂર છે એક
પુરુષાર્થની.
મહાવીરસ્વામી હંમેશાં ગૌતમસ્વામીને કહેતા કે,
‘‘પળભરનો પ્રમાદ ન કર.’’ પણ આપણે આપણા કાર્ય
પર વિચાર કરશું તો તેમાં પુરુષાર્થ ઓછો અને પ્રમાદ
વધારે દેખાશે. પછી કહીશું કે, સારો ધર્મ ક્યાં છે? બધા
જ ધર્મ સારા છે, જો તમારો પુરુષાર્થ સારો અને સાચો
હોય તો.
આજના યુગના માનવીને ઍરકન્ડિશન્ડમાં, ખુરશી પર
બેઠાબેઠા, હાથમાં ચા કે ઠંડું પીણું પીતા સારો અને રસ્તો
ધર્મ મળી જાય એવી ફિલૉસૉફી ભરેલી વાતો કરવાથી
સારો ધર્મ મળે નહીં.
કૃષ્ણ ભગવાને કહેલ કે, ઉપવાસમાં તુલસીના પાન પર
રહે એટલો ફરાળ કરવો. આપણે બધા એટલા બધા
હોશિયાર છીએ કે ફરાળ ઉપર તુલસીનું પાન મૂકી ફરાળ
કરવા લાગ્યા. આમાં આપણને સાચો ધર્મ ક્યાંથી સાંપડે.
બુદ્ધે કહેલ કે, મરેલા ઢોરનું માંસ ખાવામાં પાપ નથી,
પણ બુદ્ધને માનનારા આનું અનુકરણ કેટલું કરે છે? બુદ્ધ
ધર્મ જ્યાં પળાય છે ત્યાંના શહેરની હોટલ પર લખેલ હોય
છે કે અહીં ‘‘મરેલા ઢોરનું માંસ મળે છે.’’ કેવી ગજબની
વાત, દરરોજ કેટલા મરેલા ઢોર મળે? ટનના હિસાબે
દરરોજ બુદ્ધ ધર્મ પાળવાવાળા આરોગી જાય છે.
ભગવાનોએ કહેલ શબ્દોના અનર્થ કરી આપણે ગમતા
અર્થ કરી લીધા, છતાં પણ ધર્મ પર વાતચીત કરવા બેસે
તો મોટીમોટી ફિલૉસૉફીની વાત કરતા થાકે નહીં. સાચા
ધર્મમાં પ્રવેશ કરવા માટે આપણે હવે ક્યાંક થોભવું પડશે,
નહીં તો ધર્મના નામે અધર્મ વધી જશે.
ત્રીજી વાત છે ‘‘ટકાઉ‘‘ની. ધર્મ તો ટકાઉ જ હોય જ્યાં
સાચો છે, પણ જ્યારે ધર્મના નામે છીંડાં પડવા લાગે છે
ત્યારે ધર્મમાંથી આપણે અધર્મમાં પ્રવેશ કરીએ છીએ. ધર્મમાં
ક્યાંય હવે સચ્ચાઇ બચી નથી, દેખાદેખી છે, ધર્મના નામે
ડોળ છે, ધર્મના નામે પૈસા જ ભેગા કરાય છે. આમાં
સમાજ ધર્મથી દૂર થતો જાય છે. સમાજ એ શું છે?
આપણું જ પ્રતિબિંબ એટલે આપણો સમાજ અવનવા
મેકઅપ કરી, માસ પહેરી અરીસાની સામે ઊભા રહી
આપણે જ આપણી જાતને પૂછીએ કે આ બધું આવું કેમ
દેખાય છે? આમાં અરીસાનો શું વાંક? વાંક આપણો
પોતાનો છે. જરા આંખ પરના પાટા ખોલી જુઓ, જે
આપણે કરીએ છીએ એ સત્ય છે. જે દિવસે સત્ય સમજાઇ
જશે તે દિવસે મંદિર-મસ્જિદ કે દેવળમાં નહીં જાવ તોપણ
ધાર્મિક બન્યા વગર નહીં રહો અને તે દિવસે લાગશે કે
ધર્મ ‘‘સસ્તો, સારો અને ટકાઉ’’ છે.