એક દિવસ હું ને મારો મિત્ર મંદિરે જતા હતા. એકાએક
મારા મિત્રે મને પૂછ્યું કે, જ્યાં જુઓ ત્યાં બધા પુણ્યની
વાતો બહુ કરે છે. ખરેખરે પુણ્ય એટલે શું? મેં મારા મિત્રને
કહ્યું, તારો આ સવાલ કોઇ સંતને પૂછવો જોઇએ. હું તને
મારા હિસાબે જવાબ આપીશ. કોઇ સંત જેવો જવાબ હું ન
આપી શકું.
સાંભળ, જૈન ધર્મ પ્રમાણે કહીએ તો હિંસા, જૂઠું
બોલવું, ચોરી કરવી વગેરેમાંથી હટી જવું એટલે કે આ
પાપ ન કરવાં, બસ પુણ્યમાં પ્રવેશ થઇ ગયો. પુણ્ય કોઇ
વસ્તુ નથી. અંધકારનું મટી જવું એનું નામ પ્રકાશ. પાપનું
જવું એનું નામ પુણ્ય. જીવનમાંથી દુશ્મનને હટાવી દો, જે
રહી જશે એ બધા જ મિત્રો રહેશે.
એટલે જ ક્રિશ્ચિયન ધર્મમાં પાપનું પ્રાયશ્ચિત્ત ફાધરની
સામે કરે છે. પાપનો એકરાર કરતાં જ પુણ્યમાં પ્રવેશ થાય
છે.
માનવજીવન ન જાણે ઘણાબધા સવાલોથી ભરેલ છે અને
દરેક સવાલ નવો સવાલ ઊભો કરતો જાય છે. ક્યારેક તો
એમ લાગે કે, જીવનના અંત સુધી આપણે કોયડો ઉકેલવા
અસમર્થ રહીશું, પણ ક્યારેક એકાએક કોઇ ચાવી મળી
જાય અને જાણે કે આ ચાવીથી કોઇ પણ તાળું ખૂલી જાય
છે તેમ એક સંતની વાણીના શબ્દો કાનમાં અથડાઇ જાય
અને જીવનના બધા જ સવાલના જવાબ મળી જાય.
‘‘પાપ ગયું ને પુણ્ય પ્રગટ્યું,
પડછાયો ગયો ને પોતે પ્રગટયો.’’