૨ : ૧૨૬ - એક રાજાની વાત

એક મહાન રાજાને એક દિવસ સ્વપ્ન આવ્યું કે,
યમરાજનો દૂત કહેતો હતો કે, રાજન! તારો જવાનો
સમય થઇ ગયો છે. કાલે સાંજે સૂર્યાસ્ત સમયે હું તને
તારા જ રાજ્યમાં લેવા આવીશ. તો તૈયાર રહેજે. બસ
આટલું કહી દૂત ચાલ્યો ગયો.
રાજા વિચાર કરવા લાગ્યો કે, કરવું શું! તુરત તેણે
રાજ્યના મંત્રીને બોલાવ્યો. મંત્રીને સ્વપ્નની બધી વાત
કહી. મંત્રી બહુ જ બાહોશ હતો.
રાજાને કહ્યું કે, મારી પાસે એક ઉપાય છે. તમને
યમરાજના દૂતે કહ્યું છે કે રાજની હદમાં કાલ સાંજે
સૂર્યાસ્ત સમયે તમને લેવા આવશે. તો રાજન, એક કામ
કરો. આપણી ‘‘તેજીલી ઘોડી’’ લઇને હમણાં ને હમણાં
આપણા રાજ્યની સીમા બહાર નીકળી જાવ. સીમા
બહાર તમે પહોંચી જશો. દૂત તમારું કાંઇ નહીં બગાડી
શકે! મંત્રીની સલાહ પર રાજા ખુશ થઇ ગયો.
રાજાએ તુરત તેજીલી ઘોડી મગાવી અને રાજ્યની
બહાર જવા નીકળી પડ્યો. રાજ્યની સીમા બહુ દૂર સુધી
ફેલાયેલ હતી. સીમા સુધી પહોંચતાંપહોંચતાં સાંજ પડવા
આવી. જેવી પોતાના રાજ્યની સીમા પૂરી થઇ અને
બીજા રાજ્યની સીમાની શરૂઆત થઇ ત્યાં થાક્યો-પાક્યો
રાજા ઝાડ નીચે ઘોડીને બાંધી સૂવા જાય છે ત્યાં ઝાડ
ઉપર બેઠેલ યમરાજના દૂતનો અવાજ આવ્યો. આવી
ગયો રાજન? રાજા અવાજ સાંભળી ગભરાઇ ગયો, પણ
હિંમતથી પૂછે છે કે ભાઇ, તું છે કોણ?
હું છું યમરાજનો દૂત. જવાબ મળ્યો.
રાજા દૂતને પૂછે છે કે તેં તો સપનામાં કહેલ કે તું મારા
રાજ્યની સીમામાં જ મને લેવા આવવાનો હતો, પણ
આ તો બીજા રાજ્યની સીમા શરૂ થઇ ગઇ છે.
યમરાજનો દૂત હસે છે?
રાજા ગભરાઇને પૂછે છે, હસો છે કેમ ભાઇ?
હું એટલે હસું છું કે મેં તને પહેલાં જ કહી દીધું હોત કે
હું તારા રાજ્યની સીમાની બહાર લેવા આવવાનો છું તો
તું અહીં આટલી ઝડપથી આવત નહીં. મારે તો તને અહીં
સુધી લાવવો હતો, માટે જ મારે થોડું જૂઠું કહેવું પડ્યું.
તારું મોત આ ઝાડની નીચે જ લખેલ હતું. હવે તું આવી
ગયો છે. ચાલ મારી સાથે.
રાજન સાંભળીને બેભાન થઇ ગયો. યમરાજનો દૂત
રાજાને લઇ ચાલી નીકળ્યો. મોતને જોઇને આપણે બધા
જ બેભાન થઇ જઇએ છીએ એટલે ગત જન્મ યાદ રહેતો
નથી.