૨ : ૧૨૧ - ભગવાનનું વિશ્વ

ભગવાને જ્યારે આ વિશ્વનું સર્જન ર્ક્યું ત્યારે ભગવાનને
એટલી ખબર નહીં પડી હોય કે સુખ આપવા સાથે દુઃખનું
શા માટે સર્જન ર્ક્યું?
જીવન આપવું હતું તો મૃત્યુનું શા માટે સર્જન ર્ક્યું?
અજવાળું આપવું હતું તો અંધારું શા માટે? સ્વાસ્થ્ય
આપવું હતું તો રોગોની શી જરૂર હતી? આજના યુગના
બુદ્ધિશાળી માણસોને આ સવાલ બહુ જ પજવે છે.
કદાચ વર્ષોથી આ સવાલ માનવજાતને પજવે છે, પણ
જૂના જમાનામાં માણસો આટલા બુદ્ધિશાળી નહોતા,
વિજ્ઞાન આટલું વિકસિત થયું ન હતું. આથી ત્યારના
માણસો બહુ જ ભોળા હતા અને બધું ભગવાનને ભરોસે
છોડી દેતા હતા. વિચારતા કે જેવી ઇશ્વરની ઇચ્છા, પણ
આજનો માનવી બહુ અઘરો થઇ ગયો છે. એ આવા
શબ્દોની જાળમાં ફસાય તેવો નથી.
એ ભગવાનને પણ પૂછશે કે તારે સર્જન કરવું જ હતું
તો બધું સારું જ કરવું જોઇતું હતું. દુઃખ, દર્દ, નિરાશા આ
બધાંની શું જરૂરી હતી? સવાલો આપણને પહેલી દૃષ્ટિએ
યોગ્ય લાગે, પણ જો ઊંડો વિચાર કરીએ તો આજનો
માનવી કંઇક ભૂલ કરી બેઠો હોય એમ લાગ્યા વગર રહે
નહિ. ખરેખર તો ઇશ્વર પણ અસંભવને સંભવ બનાવવા
શક્તિમાન નથી. આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે
તંદુરસ્તીને જાણી શકીએ છીએ. અંધકારમાં કંઇ નથી
દેખાતું ત્યારે જ પ્રકાશ શું છે તે જાણી શકાય છે. ચિંતા
છે તો જ ચિંતામુક્ત અવસ્થાનો આનંદ માણી શકીએ
છીએ. જ્યારે સંસાર બંધન લાગે છે ત્યારે જે સાધુતાની
મુક્તિનો આનંદ માણી શકીએ. બુદ્ધ, મહાવીર શ્રીમંત
હતા, રાજઘરાનાના હતા, છતાં સાધુતા અપનાવી, કારણકે
શ્રીમંતાઇ પણ એક બંધન છે. સંપત્તિ પણ માણસના
મનને ઝકડી રાખે છે. સાચી મુક્તિ મેળવવા ત્યાગની
જરૂર છે.
ખાલી પેટ પણ આપણને અશાતા આપે છે. પેટમાં
કંઇક પડતાં જ સુખનો અનુભવ થાય છે. ખાલી પેટ જ
ભોજનની મઝા માણી શકે છે. ભરેલ પેટ કદી ભોજનની
મઝા માણી શકતું નથી.
બંધન-મુક્તિ, જીવન-મૃત્યુ, પ્રકાશ-અંધકાર, સુખ-દુખ,
જવાની-બુઢાપો, વસંત-પાનખર, આ બધું સાથે જ હોય
છે. જ્યાં એક પૂરું થાય કે બીજાની શરૂઆત થાય છે.
અને આખરમાં આપણને લાગે કે મોક્ષમાં જ જવાનું
હતું તો સંસારની જરૂર જ ક્યાં છે?
ખરેખર, ભગવાને બનાવવું હતું તો મોક્ષ જ કેમ ન
બનાવ્યું?
તો? તો જ રહી જાત. જ્યાં સુધી વિરોધાભાષી શબ્દ
નથી હોતો ત્યાં સુધી પહેલાના શબ્દનો સાચો અર્થ
સમજાતો નથી. સંસાર છે તો મોક્ષનો અર્થ સમજાય છે.
નહીં તો મોક્ષમાં જવા માટે બુદ્ધિ કે મહાવીર પ્રયત્ન કરત.
માણસ ગરીબમાંથી શ્રીમંત થાય છે ત્યારે તે શ્રીમંતાઇને
માણી શકે છે. જન્મથી જે શ્રીમંત છે તે શ્રીમંતાઇ માણી
શકતો નથી.
માણસને જે અભાવ હોય એ બાજુ ખેંચાવાનું મન
થાય. જે ન હોય એને મેળવવાનું મન થાય. અસત્ય જાણી
સત્ય ખોજવા ઘર-બાર છોડી માણસ નીકળી પડે છે અને
ત્યારે જ સાચા સંતો અને ભગવાનોના જન્મ થાય છે.
આપણા જીવનમાં પણ એવી લહેર ઊઠે એ જ અભ્યર્થના
સાથે મારી વાતને અહીં પૂરી કરું છું.