૨ : ૧૧૭ - વાર્તા સંતની

એક વખત બે રાજ્યની સામસામી લડાઈ થઈ. લડાઈમાં
ઘણા સૈનિકો માર્યા ગયા. છેલ્લે એક સૈનિક એક સંતને
પકડી રાજા પાસે લાવ્યો. રાજાને કહે છે કે, આ માણસ
સૈનિકોની પાછળ ઊભો હતો. આ કોઈ ગુપ્તચર લાગે છે.
રાજાએ એને જેલમાં પૂરી દીધો.
સામા રાજ્યના માણસોને ખબર પડી કે આપણા સંતને
દુશ્મન રાજાએ જેલમાં પૂરી દીધા છે. ગામવાળાએ આ વાત
સાંભળી. બધાએ નક્કી કર્યું કે સંત જ્યાં સુધી પાછા ન
આવે ત્યાં સુધી કોઈએ અન્નનો દાણો મોઢામાં નાખવો નહિ.
બધાએ જમવાનું છોડી દીધું. એ વાત રાજાના કાને
પહોંચી. રાજાને પણ લાગ્યું કે આપણા રાજ્યમાં આના
જેવો બીજો કોઈ સંત નથી. આથી સામાના રાજ્યના
રાજા પાસે સાદા વેશમાં જઇને વિનંતી કરે છે કે તમે જે
વ્યક્તિને પકડી છે એ અમારા સંત છે. એને જેલમાંથી
મુક્ત કરો.
પેલો રાજો બોલ્યો, એ તમારા રાજ્યનો ગુપ્તચર છે.
એને મોતની સજા આપવાની છે, પણ જો એના રાજ્યનો
રાજા આવી અમારી શરણાગતિ સ્વીકારે તો છોડું. પેલા
માણસે કહ્યું કે, હું જ સામા રાજ્યનો રાજા છું. મારું રાજ્ય
તમને સોંપવા તૈયાર છું, પણ આ સંતને છોડી દો. બીજા
રાજ્યનો રાજા આ સાંભળી ચકિત થઈ ગયો, કે જે વ્યક્તિ
માટે રાજા પોતાનું રાજ્ય સોંપી દેવા તૈયાર હોય એ વ્યક્તિ
કદી ગુપ્તચર ન હોઈ શકે. ખરેખર એ સંત જ હોવો
જોઈએ. એને રાજાએ છોડી દીધો. સંતને માન સહિત
રાજ્યમાં લઈ આવ્યા અને બધાએ ભેગા મળી પારણાં
કર્યાં. સંત એ તો સમાજની મૂડી છે. એને સાચવવી એ
પ્રજાની ફરજ છે.
બસ આજ અહીં જ પૂરું કરીશ.