એક વખત લોભી લલ્લુરામ નામનો શખસ સાંજના
સમયે નદીકિનારે ફરવા નીકળેલ. નદીના કાંઠે પડેલ
ગોળગોળ પથ્થર જોઈને વિચાર આવ્યો કે ચાલ ઘરે લઈ
જાઉં, મારા છોકરાને રમવામાં કામ આવશે. રાતે ઘરે
આવી પોતાની બાજુમાં મૂકી સૂઈ ગયો. રાતના એક સુંદર
સપનું આવ્યું કે નદીકિનારેથી જે પથ્થર લાવેલ છે તે
ખરેખર પથ્થર નથી, પણ બહુ મૂલ્યવાન હીરાઓ છે.
સપનામાં ખુશખુશાલ થઈ ગયો, પણ થોડી વારમાં વિચાર
આવ્યો કે મેં મોટી ભૂલ કરી. જો વધારે પથ્થર લાવ્યો હોત
તો હું કરોડપતિ બની જાત. આમ વિચારમાં ને વિચારમાં
દુઃખી થયો. ત્યાં તો પત્નીએ આવીને બૂમ પાડી. ઊઠો,
સવાર થઈ ગઈ છે, ‘ચા’ તૈયાર છે. લલ્લુરામનું સપનું તૂટી
ગયું. ઊભો થઈને જુએ છે તો બાજુમાં પથ્થર જ પડેલા
હતા, કોઈ હીરા ન હતા. આ જોઈને મનમાં ખુશ થયો કે
સારું થયું કે વધારે પથ્થર ના લાવ્યો. ખાલી સપનામાં જ
હીરા હતા. આ તો પથ્થરના પથ્થર જ છે.
‘‘જુઓ ઘડીમાં સુખ ઘડીમાં દુઃખ,
માણસનું મન કેવું વિચિત્ર છે.’’