સંસારી માનવીને હંમેશાં એક વસ્તુ તરફ આકર્ષણ
વધારે હોય છે અને એ છે મૈથુન. તિર્યંચ પણ મૈથુન વગર
રહેતું નથી અને માનવી પણ. માનવી અને તિર્યંચમાં ફેર
છે. તિર્યંચ એ બાબતથી અજાણ છે કે એની ઊર્જાશક્તિને
બીજે ક્યાં વાપરવી. એ ભોજનની ક્રિયાનો સહજવૃત્તિથી
ઉપયોગ કરે છે, જ્યારે મનુષ્ય સ્વતંત્ર છે. એને ખબર છે
એની ઊર્જાશક્તિ ક્યાં વાપરવી.
માનવી પોતાની ઊર્જાશક્તિનો એક ભાગ નોકરીમાં, કાં
તો પોતાના ધંધામાં વાપરે છે અને બીજો ભાગ
પ્રજોત્પત્તિમાં. પણ આ બીજો ભાગ જો એ સર્જાનાત્મક
વસ્તુમાં વાપરે તો એ શક્તિ નવું રૂપ લે છે અને આ જ
બ્રહ્મચર્યનું કામ કરે છે.
જો કોઇને પ્રિન્ટિંગમાં રસ હોય અને એ રસ પ્રિન્ટિંગમાં
એટલે કે ચિત્ર બનાવવામાં એ શક્તિનો ઉપયોગ કરે તો
તમને જે આનંદ આવશે એવો આનંદ બીજે ક્યાંય નહિ
મળે. તમે બનાયેલ ચિત્ર ભલે સુંદર ન હોય તોપણ તમે
દશ જણને બતાવશો ને પૂછશો કે, ભાઇ! કેવું સુંદર લાગે
છે! કારણકે તેમાં તમારો આનંદ છુપાયેલ છે.
કબીર વણકર હતા. તે પોતાના વણકરના વેપારને એક
સર્જન તરીકે લેખતા. એના વણાટકામમાં એને જે આનંદ
મળતો જે એને ‘‘રામ’’ના નામે આનંદ મળતો.
કોઇ કવિ પોતાનાં કાવ્ય લખે છે, ત્યારે તેને આનંદ
પ્રાપ્ત થાય છે. એક સર્જનનું કાવ્ય ભલે જેવું હોય તેવું,
લેખક્ જ્યારે પહેલો લેખ લખે ત્યારે ઘણાને બતાવે કે,
જુઓ, મેં કેવું લખેલ છે, કારણકે એમાં એનો આનંદ
છુપાયેલ છે.
સંગીતકાર, નૃત્યકાર જે પણ વ્યક્તિ પોતાની બાકી
ઊર્જાનો આવા સર્જનમાં ઉપયોગ કરે છે ત્યારે એ પોતાની
બચેલી શક્તિ પ્રજોત્પત્તિ માટે વાપરવામાં નથી લેતી અને
એને જ કારણે ઘણી વખત આવી સર્જનાત્મક વ્યક્તિઓની
ઘરેલુ જિંદગી દુઃખદ થઇ જાય છે, કારણકે પરિવારને જે
સુખ જોઇએ તે આપી શકતો નથી અને આવી સર્જનાત્મક
વ્યક્તિ લગ્નજીવનમાં સફળ રહેતી નથી.
આપણે ઇતિહાસ તરફ નજર કરશું તો લાગશે કે,
મોટામોટા કવિ, લેખક કે સંગીતકાર, કલાકાર, નૃત્યકારનાં
સંસારજીવન દુઃખદ રહેલ અને દુઃખદ રહેશે. આ જ કારણે
ઘણા આવા સર્જનકારો બહુ મોટી ઉંમરે લગ્ન કરે છે, જે
એને સમજી શકતા હોય. એને આવું પાત્ર ન મળે તો
કુંવારા પણ રહી જાય છે. અગર તો બહુ મોટી ઉંમરે લગ્ન
કરે છે. આવી બધી વ્યક્તિઓનો આનંદ એને પોતાના
આત્મગુણ જે કંઇક નવું સર્જન કરવા માટે આકુળ-વ્યાકુળ
હોય છે અને ખરેખર આ જ ધર્મ છે અને આ જ લોકો
સાચા ધર્મમાં પ્રવેશ કરી શકે છે, કારણકે જે વ્યક્તિ
શરીરની આ ઊર્જા જે આપણા સંસારને વધારે છે એને જ
આપણે જો આવા ગુણાત્મક કાર્યમાં પરિવર્તન કરીએ ત્યારે
જ ઇશ્વર તરફનું દ્વાર ખૂલે છે અને આ જ ધર્મ છે.
દરેક મનુષ્ય જો આ અભિગમ સ્વીકારે તો આજના આ
યુગમાં એક મોટી ક્રાંતિ થશે. આજનો યુગ સાયન્સનો યુગ
છે, બુદ્ધિશાળીનો યુગ છે. સત્ય જો એને સાંપડે તો એને
આગળ વધતા વાર નહીં લાગે. ઇશ્વર દરેકને આગળ
વધવા મદદ કરે એ જ અભ્યર્થના સાથે આજ આટલું બસ.