૨ : ૧૦૬ - જીવન એક કોયડો

જીવન એક પહેલી છે. માનવી જીવનભર વિચાર કરે છે,
પણ એ કોયડો ઉકેલી શકતો નથી અને બુદ્ધ, મહાવીર
અને ફ્રાઇસ્ટ જેવાએ ઉકેલ્યો, પણ એ આપણને બતાવી
શકતા નથી, કારણકે એ કોયડો જ્યારે ઉકેલાય છે ત્યારે
ઉકેલનાર જ જાણી શકે છે. એ માત્ર આપણને ઇશારા
કરી શકે, પણ બતાવી શકે નહિ.
આંધળાને કહીએ કે જો તારી બાજુમાં એક જ્યોત જલે
છે તો એ કહેશે જ્યોતનો રંગ કેવો હોય, આકાર કેવો
હોય, તેનો પ્રકાશ કેવો હોય, તો આપણે શું જવાબ
આપી શકીએ. કંઇ જ ન આપી શકીએ. એને જ્યારે
આંખો કોઇકની મળી જાય ત્યારે આપણે સમજાવવાની
જરૂર નથી પડતી.
બસ આમ જ આપણને જ્ઞાન થઇ જાય ત્યારે જ્ઞાન પર
બધા જ વ્યાખ્યાન આંધળાની જેમ આંખ મળતા બધા જ
સવાલોના જવાબ મળી જાય છે, એમ આપણને બધા જ
સવાલોના જવાબ મળી જાય છે.
આવા આત્મજ્ઞાનને આત્મજ્ઞાની પણ બતાવવા અસમર્થ
છે, પણ આત્મજ્ઞાની દિશા બતાવી શકે કે આ માર્ગે
ચાલો, હું પણ આમ ચાલતાચાલતા એક દિવસ જ્ઞાનને
ઉપલબ્ધ થયો, તમે પણ આમ પ્રયત્ન કરશો તો તમે પણ
જરૂર એક દિવસ ઉપલબ્ધિને પામશો.
રહી જ્ઞાનીની જ્ઞાનની ઉપલબ્ધિની વાતો તો એ તો એક
ફૂલના અહેસાસ જેવી છે. એનું વર્ણન ન થઇ શકે. તમને
કે મને કોઇ પૂછે કે ફૂલની સુગંધનું વર્ણન કરો તો આપણે શું કરીએ? કંઇ જ ન કરી શકીએ, કારણકે વર્ણન કરતાં
જ એ જૂઠી વાત થઇ જાય.
આત્મજ્ઞાન એ એક વ્યક્તિગત અનુભવની વાત છે જે
માટે શબ્દો પર્યાયી નથી. આત્મજ્ઞાન એક અહેસાસ છે, જે
માણી શકાય, બતાવી ન શકાય. આપણે કોઇ વ્યક્તિને
પ્રેમ કરતા હોઇએ તો આપણે એ કેમ બતાવી શકીએ! તો
એક અહેસાસની વાત છે, નહીં કે બતાવી શકવાની.
આત્મજ્ઞાન દરેકને થવું મુશ્કેલ છે, પણ આપણે પ્રયત્ન
તો જરૂર કરી શકીએ. આ પ્રયત્ન આ જન્મના નહીં તો
બીજા જન્મમાં જરૂર કામ આવશે. કરેલા પ્રયત્ન નિષ્ફળ
જતા નથી. કોઇ માણસ પથ્થર તોડવા બેઠો હોય અને
પથ્થર તૂટે નહીં, પણ પથ્થર ખોખરો તો જરૂર થઇ જાય છે
અને એક દિવસ જરૂર તૂટી જાય છે.
આમ આત્મશોધ કરેલા પ્રયત્ન આ જન્મમાં ભલે પૂરા
કામ ન લાગેલ હોય, બીજા જન્મમાં જરૂર કામ લાગશે.
કરેલ પ્રયત્ન કદી નિષ્ફળ જતા નથી.
બુદ્ધે અને મહાવીરે પણ જન્મોજન્મ પ્રયત્ન કર્યા ત્યારે
ભગવાન બન્યા. આપણે પણ એ જ આશા સાથે આગળ
વધશું તો એક દિવસ કામયાબી આપણા ચરણ ચૂમતી
હશે.
બસ આજ આટલું.